નવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છે. રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે, પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી. માતા-પિતાના પ્રેમથી વંચિત રાધિકાને પોતાનાથી પંદર વર્ષ મોટા વીરેન મહેતા સાથે પ્રેમ થાય છે. બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને પ્રેમાળ વીરેન સાથે જિંદગી જીવવાના સ્વપ્ન સાથે પિતાની મરજી વિરુદ્ધ લંડન ચાલી જાય છે. રાધિકાના આ પગલાથી આઘાત પામી અર્જુનકુમાર પૅરૅલાઇઝ્ડ થઈ જાય છે. બીજી તરફ રાધિકાને નાનપણથી ઓળખનાર, સમજનાર અને મનોમન ચાહનાર સત્યજિત બીમાર અર્જુનકુમાર માટે તેને... See more
નવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છે. રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે, પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી. માતા-પિતાના પ્રેમથી વંચિત રાધિકાને પોતાનાથી પંદર વર્ષ મોટા વીરેન મહેતા સાથે પ્રેમ થાય છે. બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને પ્રેમાળ વીરેન સાથે જિંદગી જીવવાના સ્વપ્ન સાથે પિતાની મરજી વિરુદ્ધ લંડન ચાલી જાય છે. રાધિકાના આ પગલાથી આઘાત પામી અર્જુનકુમાર પૅરૅલાઇઝ્ડ થઈ જાય છે. બીજી તરફ રાધિકાને નાનપણથી ઓળખનાર, સમજનાર અને મનોમન ચાહનાર સત્યજિત બીમાર અર્જુનકુમાર માટે તેને લંડનથી પાછી લાવવા મથે છે. ત્યાં જ રાધિકાના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન સેવતા રાહુલના પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. વીરેન, સત્યજિત અને રાહુલના પ્રેમના ત્રિભેટે ઊભેલી રાધિકા માટે લગ્નનું કોઈ મહત્ત્વ નથી. જીવનમાં આવનાર દરેક પુરુષમાં પ્રેમ શોધતી રાધિકા કોઈ પણ સંબંધને નામ નથી આપી શકતી. પ્રેમ અને પીડા, ગેરસમજ અને સમજણ, વિરહ અને મિલાપ વચ્ચે આકાર લેતી આ નવલકથાએ દર શનિવારે ‘મુંબઈ સમાચાર’માં પ્રસિદ્ધ થઈ અનેક ગુજરાતીઓનાં હૃદય જીત્યાં. આ જ નવલકથા હવે એક સંપૂર્ણ પુસ્તક સ્વરૂપે એકસાથે વાંચવાનો અવસર એટલે લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની રસાળ કલમે લખાયેલી ‘તારા વિનાના શહેરમાં’.